તમિલનાડૂના ભિખારીએ ભીખમાં આવેલા 50 લાખ રૂપિયા સીએમ રાહતકોષમાં દાનમાં આપ્યા
મદુરાઈ: દાનને કેટલાય ધર્મોમાં સૌથી મોટો ગુણ માનવામાં આવે છે. પણ એવું ખૂબ જ ઓછુ જોવા મળે છે કે, કંઈક આવું જ તમિલનાડૂના એક ભિખારીએ કર્યું છે. તેણે મુખ્યમંત્રી રાહત કોષમાં લગભગ 50 લાખ રૂપિયાનું દાન કરીને દાખલો બેસાડ્યો છે. 72 વર્ષના પૂલપાંડિયને મે 2020માં પણ સીએમ રાહત કોષમાં 10 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. પૂલપાંડિયને જણાવ્યું છે કે, તે એકલો છે અને તેને ભીખમાં મળતા રૂપિયાની એટલી બધી જરુર નથી.
પૂલપાંડિયનનું કહેવું છે કે, મારે કોઈ પરિવાર નથી. હું રાજ્યના દરેક જિલ્લામાં જાઉ છું અને ભીખ માંગીને પૈસા ભેગા કરુ છું. બાદમાં કલેક્ટર ઓફિસે જઈને ગરીબોને મદદ માટે રૂપિયા જમા કરાવી આવું છું. વૃદ્ધ વ્યક્તિનું કહેવું છે કે, મેં 5 વર્ષ દરમિયાન 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે.
પૂલપાંડિયનને હતો પરિવાર
કહેવાય છે કે, એક સમયે પૂલપાંડિયનને પણ હસતો રમતો પરિવાર હતો. તે પોતાની પત્ની અને બે દીકરા સાથે રહેતો હતો. 1980માં તે મુંબઈ જતો રહ્યો. ત્યાં પરિવારનું ભરણપોષણ કરવા માટે એક નાની એવી નોકરી શરુ કરી. જો કે, સંસાધનની કમી અને ખરાબ હાલતના કારણે તેમની પત્નીનું નિધન થઈ ગયું. પત્નીની નિધન બાદ પૂલપાંડિયન બાળકોની દેખરેખ રાખવા માટે તમિલનાડૂ પાછો આવી ગયો. જો કે, બાદમાં બંને દીકરાઓએ પૂલપાંડિયનની કોઈ મદદ કરી નહીં અને તેમને મજબૂરીમાં ભીખ માગવી પડી.
તેમનું કહેવું છે કે, મને ભીખ માગવી પડી, કેમ કે મારા દીકરાએ મારી દેખરેખ રાખવાની ના પાડી દીધી. પૂલપાંડિયન ફરીથી પૈસા બચાવવા લાગ્યા અને સ્કૂલ, કોવિડ રાહત કોષ અને મુખ્યમંત્રી રાહત કોષમાં મદદ કરવા લાગ્યા. 2020માં પૂલપાંડિયને આ સારા કામ માટે સ્વતંત્રતા દિવસ પર કોવિડ રાહત કોષમાં આટલું મોટુ દાન આપવા બદલ મદુરાઈ કલેક્ટરે તેમને પુરસ્કાર આપ્યો.