તમે થાકશો, પણ હું નહિ……નાર નવેલી
સુમનબેનને તેમના દીકરા મનોજે લવ મેરેજ કરેલું તે સહેજે ય ગમેલું નહિ. એકનો એક દીકરો હતો, પતિ અવસાન પામેલા હતા એટલે ખૂબ લાડકોડ અને અરમાનો સાથે મોટા કરેલા મનોજ માટે પોતાની ઇચ્છા મુજબની જ વહુ લાવવી હતી પણ મનોજે તેમની ઇચ્છા વિરુધ્ધ તલ્લિકા સાથે ભાગી જાઇને લગ્ન કરી લીધું હતું એને લીધે એમને તલ્લિકાપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો…
— “ એણે જ કામણ કરી મારી છોકરાને ફસાવ્યો છે..”
— “ મારે તો મનોજને રંગે ચંગેપરણાવવો હતો પણ એ બલાએ શું જાદુ કરી દીધો તે મને કશી ગંધ પણ ન આવવા દીધી !! “
— “ સમાજમાં મારે તો મોંઢુ બતાવવા જેવું ય નથી રહ્યું, ખેર એ તો હું એને જોઇ લઇશ..”
આવું બધુ એ વિચાર્યા કરતાં.દીકરાના પ્રેમ લગ્ન પાછળ એ દીકરાને નહિ પણ વહુ તલ્લિકાને જ દોષિત માનતાં હતાં. ભાગી ગયેલા દીકરાનો ફોન આવ્યો તો એમણે એને સમજાવીને ઘરે બોલાવી તો લીધો , અરે એમણે મોંઢા ઉપર સ્મિત પણ મનમાં ડંખ રાખીને પોંખી પણ લીધાં પરંતુ વહુ તલ્લિકા એમને જરા ય ગમી ન હતી, એમનું મન એને વહુ તરીકે સ્વીકારવા તૈયાર જ થતું ન હતું. અને એ કારણે એ એના પ્રત્યે નારાજ રહેવા લાગ્યાં. એ એમની નારાજગી છૂપાવવા માગે તો ય નારાજગી પ્રગટી જ જતી. !!!
— વહુની બનાવેલી રસોઇ જમ્યા પછી એમાં શું ખામી હતી તે કહ્યા વિના રહે જ નહિ.. ખામી હોય ને બતાવે તો તો ઠીક પણ કશી ખામી ન હોય તો પણ એમનું મોંઢુ જમતી વખતે બગડેલું જ રાખે.
— તલ્લિકાની મોડર્ન રીતે રહેવા કરવાની વાતમાં ય એમનો વાંધો જ હોય..
— દીકરો ને વહુ પિક્ચર જોવા જાય, રવિવારે ક્યાંક ફરવા જાય તો એ પણ એમને ન ગમે…
— મનોજ એમને હોટલમાં સાથે જમવા લઇ જવા કહે તો પણ એ ન જાય..
— બહારથી તલ્લિકા એમને માટે જમવાનું કશું ક પેક કરાવીને લાવે તો એ ન ખાવા માટે ગમે તે કારણ આપે ને પોતે રોટલી જાતે બનાવીને જ જમી લે..!!!!
મનોજ મમ્મીને આવું બધુ ન કરવા ને પ્રેમથી જીવન જીવવા સમજાવે પણ તો ય એતો તલ્લિકાનો વાંક જ કાઢે ને એવું બબડે કે..,
“ હશે ભઇ બધો વાંક મારા નસીબનો જ છે.. “ પછી પેલી વહુ તલ્લિકા સાંભળે એ રીતે બીજું કશું ક આડું અવળું પણ બોલે જતાં..
આમ ને આમ એકાદ વર્ષ નીકળી ગયુ… તલ્લિકા આ બધું સહન કરે જ જતી હતી.. એની ધીરજ ગજબની હતી.. એવામાં કુદરતી એવું બન્યુ કે સુમનબેન એકવાર લપસી પડ્યાં તો જમણા થાપામાં ફેકચર થવાથી એમને બે મહિના પથારીમાં જ પડ્યા રહેવાનું આવ્યુ.. ડોક્ટરે ઓપરેશન કરીને સળિયો નાખવો પડેલો … હવે શું થશે ? એ તો થઇ ગયાં પથારીવશ !! ખરું પૂછો તો આવી બીમારી અચાનકની તો એમણે કલ્પના પણ નહોતી કરેલી…
પરંતુ આ દરમિયાન એમની વહુ તલ્લિકાને એમની સેવા કરવાની એવી તક મળી ગઇ કે એણે એનો ભરપૂર લાભ લઇ લીધો.. આ વખતે તલ્લિકાએ લીધેલી કાળજીથી સુમનબેન તો રાજીના રેડ થઇ ગયાં,માંદગીનો ખાટલો આવ્યો ત્યારે તો એ બહુ જ ગભરાઇ ગયેલાં… એમને તો એમ હતું કે હવે આ વહુ સાથે કેવી રીતે રહેવાશે?એ કદાચ બદલો લેશે તો ?પરંતુ હકીકતમાં એમણે ધારેલું એવું કશું જ બન્યુ નહિ ,સગી દીકરી પણ કદાચ ન કરે તેવી સેવા તેમની વહુ તલ્લિકાએ કરી હતી. એટલે જ્યારે ડોક્ટરે એમને લાકડાની કે સ્ટીલની ઘોડી પકડીને તેના સહારે ધીમે ધીમે ચાલવાની છૂટ આપી ત્યારેએમણે વહુને કહ્યું પણ ખરું ,
“ અરે બેટા, મને તો થાય છે કે હજી ય બે મહિના વધારે ખાટલે પડી રહેવાનું હોત તો ય સારુ થાત … તારા જેવી સેવા કરનારી દીકરી જેવી વહુ હોય પછી મારે શેની ચિંતા ? “
તલ્લિકાએ ત્યારે એમને મોઢે તો કશું ન કહ્યું પણ મનમાં વિચાર્યું,
“ અરે મમ્મી, તમે ભલે મારાથી નારાજ હતાં, ભલે તમે મને હેરાન કરતાં ગયાં.. પણ હું કંઇ એમ થાકીને હારી જાઉં એવી ન હતી , મને તો ખબર જ હતી કે આમાં એક દિવસ તમે થાકી જશો પણ હું નહિ…”
00000
– અનંત પટેલ