અન્નપૂર્ણા-નાર નવેલી

અન્નપૂર્ણા-નાર નવેલી

લગભગ પચાસની ઉંમર વટાવ્યા પછી મોટા ભાગની સ્ત્રીઓ ભક્તિ માર્ગ તરફ વધારે વળી જતી હોય છે.ને સાંસારીક જીવન માત્ર વ્યવહારિક બાબતો પૂરતુ સીમિત કરતી જતી જણાય છે, જે ખૂબ જ આવકાર્ય બાબત કહી શકાય જો તેમાં ભક્તિની સાથે સબંધિત ગૃહિણિ પોતાની સામાજિક જવાબદારી સુંદર રીતે નિભાવી જાણે તો—- સોનામાં સુગંધ ભળે..!!!! હમણાં થોડા દિવસ પહેલાં અમારી સોસાયટીમાં રહેવા આવેલા સરલાબેન અને તેમના પતિ મનસુખભાઇ ખૂબજ મળતાવડા સ્વભાવનાં હતાં. સરલાબેનને મારા પત્ની સાથે ખૂબ જ જચી ગયું હતું. મનસુખભાઇ સિંચાઇ ખાતામાં નોકરી કરતા હતા ને બદલી થવાથી અહીં આવેલા હતા.તેમને નોકરીમાં હવે નિવૃત્ત થવા માટે બે વર્ષ બાકી હતાં.મનસુખભાઇ ઓફિસ કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. સરલાબેન તો એટલા બધા ભક્તિભાવવાળા હતા કે એ દરરોજ સવારે છ વાગે અમારી સોસાયટીના નાકા પર આવેલા મહાદેવના મંદિરે પહોચી જતા.મંદીરના પૂજારીને એ સાફ સફાઇ કરવામાં મદદ કરતા. મંદીરનું નાનું મોટું કામ પણ તે કરી આપતાં અને પૈસે ટકે સુખી હોવાથી મંદીર માટે કશો ખર્ચ કરવો પડે તેમ હોય તો પણ એ કરી નાખતાં. મંદીરે બે કલાક વીતાવતાં ને ઘેર આવતાં .વળી પાછા બપોરે ચારે ક વાગેથી મંદીરે પહોચી જતાં.એમને ભજન બહુ આવડતાં એટલે એમણે તો પદરેક દિવસમાં મદિરમાં નિયમિત આવતી આધેડ અનેવૃધ્ધ મહિલાઓનું એક ભજન મંડળ બનાવી દીધુ હતું. બધી બહેનો હોંશેહોંશે એમાં જોડાઇ ગયેલી, અને ગયા શ્રાવણ મહિનામાંતો તેમના ભજન મંડળે અમારી સોસાયટીમાં જ જે બહેનની ઇચ્છાહોય તેમને ત્યાં ભજન ગવડાવેલાં. તેમના આવેથી અમારી સોસાયટીની મહિલાઓ જે ભજન કીર્તન ભક્તિ વગેરે કરતી તો હતીજ પણ તેમાં સારી એવી ગતિ આવી હતી.
હું આ બધું જોતો. મારાં પત્ની પણ આ ભજનમંડળીમાં જોડાયાં હતાં.બધી જ બહેનોમાં સરલા બેનની ભક્તિ, ભજન ગાવાની પધ્ધતિ અને ઇશ્વર પ્રત્યેની આસ્થાની પ્રશંસાભેર ચર્ચા થતી. પણ આ બધામાં મને મનસુખભાઇ યાદ આવી જતા. મને એમ થાય કે સરલાબેન ભગવાનનું બહુ ધ્યાન રાખે છે પણ મનસુખભાઇનું કોણ ? સરલાબેન એમની જરુરિયાત સગવડ વગેરે સાચવતાં હશે કે કેમ ? જો કે મનસુખભાઇ સવારે દસ વાગે એમની ઓફિસે પહોંચી જતા ને રાત્રે આઠેક વાગે જ આવતા એટલે મારે એમને મળવાનું થતુ નહિ પણ એક રવિવારે સાંજે એ મને મહાદેવના મંદિરે ભેટી ગયા. સરલાબેન અને મારી પત્નીના સખિપણાને લીધે તે મને પણ ઓળખતા હતા. મે સરલાબેન ના આવેથી અમારી સોસાયટીની મહિલાઓને ભજન ભક્તિ વગેરેમાં મળેલી નવી દિશાની વાત તેમને કરી અને સરલાબેનના સ્વભાવની પ્રશંસા કરી. સાથે સાથે તેઓ તેમનું એટલેકે મનસુખભાઇનું પણ પૂરુ ધ્યાન રાખેછે કે કેમ તેવો સ્પષ્ટ સવાલ પૂછવાને બદલે આડકતરી રીતે કહ્યું કે સરલાબેન તમારો ઓફિસે આવવા જવાનો ટાઇમ સાચવીને તમારી જમવા કરવાની પૂરી વ્યસ્થા કરીને પણ મંદીર માટે આટલો બધો સમય કાઢે છે તે ઘણી જ સારી વાત કહેવાય. આસાંભળીને તે બોલ્યા,
— “અરે તમને શું વાત કરું, કદાચ તમને અતિશયોક્તિ લાગશે પણ જેવી રીતે એક માતા પોતાના દીકરાનું ધ્યાન રાખે છે તેવી જ રીતે એ મારું ધ્યાન રાખે છે, મારે શું ખાવાનું છે, મને શું ભાવે છે , ગમે છે ? મારે ક્યા દિવસે ક્યાં કપડાં પહેરવાનાં છે ? મને ક્યું શાક ભાવશે? મેં દવાની ગોળીઓ સમયસર લીધી છે કે નહિ ? મારા બૂટની પોલિશ ખરાબ તો નથી થઇ ગઇને ? આવી ઝીણી ઝીણી બાબતોની એ કાળજી રાખેછે , એટલે પછી એ એની ભક્તિમાં ડૂબેલી રહે તો એમાં મને કંઇજ વાંધો પડતોનથી—-“
હું તો મનસુખભાઇની વાત સાંભળી જ રહ્યો. અને અહોભાવથી તેમના તરફ જોઇ રહ્યો. ખરેખર સરલાબેન જેવી ગૃહિણિ પામીને મનસુખભાઇ ધન્ય બની ગયા હતા તેવું મને લાગ્યું. તે દિવસ પછીથી હું સરલાબેનને વધારે માનભરી દ્રષ્ટિથી જોતો થઇ ગયો………
00000
-અનંત પટેલ

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )