માતૃભાષા દિવસની શુભેચ્છા
હિન્દી મારી રાષ્ટ્રભાષા છે. હાલ હું જે કામ કરું છું તે માટે મારે ભારતનાં અલગ અલગ પ્રાંતનાં લોકો સાથે સંપર્કમાં રહેવાનું હોવાથી મોટેભાગે હિન્દી ભાષાનો ઉપયોગ કરવાનો થાય છે. અંગ્રેજી તો ભાઇ….શું વાત કરવી, અંગ્રેજી જરૂરીયાતની ભાષા છે, ક્યારેક સામેવાળાને સરળતાથી સમજાવવા માટે, ક્યારેક બાળકોને ભણાવવા માટે, ક્યારેક ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન માટે, ક્યારેક ફેશન કે એટીટ્યુડ માટે, ક્યારેક સામેવાળાને કમ્ફર્ટ ફીલ કરાવવા તેની જેમ અંગ્રેજીમાં વાર્તાલાપ કરવો પડે છે, તો ક્યારેક અમુક જગ્યાએ ફરજીયાતપણે આ ભાષામાં જ વાત કરવાનો હઠાગ્રહ હોય ત્યારે અંગ્રેજીમાં બોલવું હિતાવહ થઇ જતું હોય છે. પણ પણ પણ….મારી માતા…એટલે મારી માતૃભાષા તો ગુજરાતી જ હો બાકી…
ક્યારેક તળપદી, ક્યારેક પ્રાંત અને જાતીમાં વહેચાયેલી, ક્યારેક ભાવ અને લાગણીઓ પ્રમાણે વપરાતી અને ખાસ તો જ્યારે આપણાં કુટુંબીજનો કે મા-બાપ આગળ હૈયાવરાળ ઠાલવવી હોયને ત્યારે હદયથી સીધી નીકળતી અને બીજા હદય સુધી પહોંચતી લાગણીઓનું વર્ણન મારી એ માતૃભાષામાં જ તો થાય છે.
ઉપરછલ્લી મોર્ડનાઇઝ ઇમેજની અંદર આજે પણ કોઇએ અંગ્રેજીમાં કહેલી વાતનો જવાબ આપવા મનમાં પહેલા ગુજરાતીમાં વિચાર આવે અને તેને ગોઠવીને કોન્ફીડન્સનો ઢોળ ચડાવીને અંગ્રેજીમાં પ્રસ્તુત કરવામાં આવે. અને તેના માટે જે વાહવાહી મેળવાયને કે તાળીઓ પડે ત્યારે મનથી એકવાર મારી માતૃભાષા ગુજરાતીને પણ તેની ક્રેડિટ આપી દઉં છું કે તુ હતી તો હું આ જગ્યાએ અન્યભાષામાં બોલી શકી.
હે માતૃભાષા તને શત શત નમન. તું એક માત્ર એવી ભાષા જે ગળથૂથીમાં મળી, તને જાણવા કે સમજવા કોઇ વ્યાકરણની જરૂર ના પડી. ભલે તુ અમદાવાદી, મહેસાણી, ઉત્તર ગુજરાતની મારી કડવી ભાષા તરીકે, કાઠીયાવાડી મીઠી ભાષા તરીકે, સુરતી કાલીકાલી ભાષા તરીકે કે સાંબરકાંઠાના લહેકા તરીકે કે પછી બનાસકાંઠાની તળપદી ભાષા તરીકે કે પછી કચ્છી કે નેસડાની ટેસ તરીકે ઓળખાતી હોય પણ અંતે તું માતૃભાષા. અને એટલે જ સન્માનનીય હોવા છતાં જેમ માતાને વ્હાલથી તું કહીને બોલાવીએ તેમ તું મારી માતૃભાષા ગુજરાતી.
- પ્રકૃતિ ઠાકર