મારે તને સુખી કરવી છે – નાર નવેલી
લગ્નની પ્રથમ રાત્રિ પતિ પત્ની માટે ખૂબ જ મહત્વની રાત હોય છે તે સૌ જાણે જ છે. લજ્જા, શરમ ખચકાટ આ બધા ગુણ સ્ત્રીઓ માં જન્મ જાત ભરેલા જ હોય છે. લગ્ન બાદ પતિના જીવનમાં હંમેશને માટે સમાઇ જવાની આ રાત્રે પત્ની ઘણી બધી તમન્નાઓ – ભાવનાઓ હ્રદયમાં લઇને પતિની રાહ જૂએ એ ખૂબ જ સ્વાભાવિક બાબત ગણાય …
અંજલિ શયનખંડમાં મીઠામધુર ભાવિ જીવન નાં સ્વપ્ન લઇને બેઠી હતી. તેનો પતિ કિરીટ દેખાવડો ભણેલ ગણેલ સુશિક્ષિત અને પાછો એક મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરતો યુવાન હતો. લગ્ન પહેલાં આમ તો બન્ને એક બીજાને મળીને સારી રીતે ઓળખતાં થઇ ગયાં હતાં, તેમ છતાં પ્રથમ મિલનની વાત જ અલગ છે. કિરીટ અંજલિની જોડે બેસીને થોડી વાર સુધી તેના ચહેરાને બસ જોતો જ રહ્યો… અંજલિ કિરીટની આ હરકત ભારે રસથી નિહાળી રહી.. એને ઘડીભર ને માટે તો એવું થઇ આવ્યું કે આ ક્ષણ હજુ વધારે લંબાય તો બહુ સારુ.. અંજલિને કિરીટ શું કહેવા માગે છે તે જાણવાની ભારે ઉત્સુકતા થઇ આવી.
“ અંજુ , આઇ લવ યુ એવું કહેવા કરતાં આજે હું તને કંઇક જૂદુ જ કહેવા માગું છું….. “
“ બોલો બોલો, એનાથી ય વધારે સારું કંઇક કહો તો એ મને ખૂબ જ ગમશે.. !!! “ અંજુએ પણ એ જાણવાની તાલાવેલી દર્શાવી.
“ હું તને ખૂબ સુખી કરવા માગું છું, તું સહેજ પણ દુ:ખી ન થાય એના માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવાની હું આપણા જીવનની આ પહેલી રાતથી જ તને ખાતરી આપું છું.. બસ.. “
કિરીટના આ ભાવવાહી શબ્દનો પ્રત્યુત્તર આપતાં અંજલિએ પણ તેના મનની ભાવનાને વાચા આપી,
“ બહુ સરસ , હું પણ આવું જ નક્કી કરીને તમારી સાથે જોડાઇ છું , પણ મારી તમને સુખી કરવાની રીત જરા જૂદી હશે…. હું સૌ પ્રથમ તમારાં મમ્મી પપ્પા અને મારી લાડકી નણંદને સુખ આપવાનો પ્રયત્ન કરવાની છું… એ બધાં ય ખુશ ખુશાલ અને સુખી રહે એટલે તમે પણ ખુશ જ રહેવાના કે નહિ બોલો તો ? “
કિરીટ તો અંજલિની તેને સુખી કરવાની રીત જાણી એ જ ક્ષણે અત્યંત પ્રસન્ન થઇ ગયો….પતિને મન જે ખૂબ મહ્ત્વની વ્યક્તિઓ છે તેમને સુખી કરવાની અંજલિની ભાવના કિરીટને જોરદાર અસર કરી ગઇ…. પછી તો બેઉ જણ ક્યાંય સુધી ગાઢ આશ્ર્લેષમાં પરસ્પરને જકડી જ રહ્યાં…
00000
– અનંત પટેલ