લગ્ન, પરંપરા અને બિલાડી
કેટલીક પરંપરા અને રીવાજો એવા હોય છે કે તેની પાછળ લોજીક શોધવામાં આવતા જ નથી. બસ શ્રધ્ધાથી માની લેવામાં આવે છે અને તેને આંધળુ અનુકરણ કરવામાં આવે છે. ઘણીવાર તો આવા રીવાજો કે પરંપરા પાછળ હકીકતમાં કોઇ લોજીક હોતુ જ નથી. આજે આપણે એવી એક વાત જાણીશું જે સાંભળીને તમને ખૂબજ નવાઇ લાગશે. આવા વિચિત્ર રીવાજને કારણે તમે પણ વિચારતા થઇ જશો.
એક વાર વર્ષો પહેલા ભારતનાં એક ગામડામાં એક લગ્ન થઇ રહ્યાં હતા. સમગ્ર ગામજનો ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં હતા. મંડપમાં વર- વધુ બેઠાં હતા. સગાં સંબંધીઓ લગ્નની વિધી માણી રહ્યાં હતા. પડિતજી લગ્નની વિધિ માટે મંત્રોચ્ચાર કરી રહ્યાં હતા. તે મંત્રોચ્ચાર કરતાં કરતાં વચ્ચે વચ્ચે મોં બગાડી રહ્યાં હતા. તેમનું આવું કરવાનું કારણ એ હતું કે મંડપમાં એક બિલાડી ઘૂસી આવી હતી અને તે મિયાઉ મિયાઉ કરી રહી હતી અને આમ તેમ ફરી રહી હતી અને પંડિતજીને અડચણનો અનુભવ કરાવી રહી હતી. આથી પંડિતજીએ તેનાથી બચવા માટે એક યુક્તિ કરી. પંડિતજીએ આસપાસ જોયું અને તેમને તેમની પાછળ રાખેલું ફુલોનું એક મોટું છાબડું દેખાયું. આથી પંડિતજીએ મોટુ છાબડું ખાલી કરીને લીધુ અને બિલાડી ઉપર ઢાંકી દીધું. તે પછી લગ્નની સંપૂર્ણ વિધી પૂરી થયા બાદ છાબડું ઉઠાવીને બિલાડીને છોડી દીધી. સમગ્ર ગામજનોએ આ વસ્તુ જોઈ. તે પછી ગ્રામજનોમાંથી કોઇએ પણ લોજીકનો વિચાર કર્યા વગર આ ઘટનાને રીવાજ સમજી લીધો.
આ પછી જ્યારે પણ ગામમાં કોઇ લગ્ન થતાં ત્યારે ફરજીયાત પણે બિલાડીને શોધીને લાવવામાં આવતી અને તેનાં પર છાબડું ઢાંકવામાં આવતું અને લગ્નની વિધી પૂરી થયાં બાદ બિલાડીને છાબડામાંથી મુક્ત કરવામાં આવતી.
આ તો થઇ એક ગામનાં એક રીવાજની વાત. આપણી આસપાસ પણ એવા કેટલા રીવાજો અને પરંપરાઓ છે જેમાં કોઇ પણ લોજીક લગાવવામાં નથી આવતા અને એ વિશે કંઇ પણ પ્રશ્નો પૂછવામાં નથી આવતા. આમ જોવા જઇએ તો આપણા દેશમાં દરેક રીવાજો અને પરંપરા પાછળ કોઇ વૈજ્ઞાનિક કારણો રહેલા હોય છે. પણ જ્યારે તમને કોઇ લોજીક વગરનાં રીવાજો કે પરંપરા જોવા મળે તો એકવાર વિચાર કરી જોજો
– પ્રકૃતિ ઠાકર