કલર કરેલ વાળની માવજત કેવી રીતે કરશો?
આપણા વાળને અવનવા લુક આપવા, કલર કરવા, હાઇ લાઇટ્સ આપવી કોને પસંદ નહીં હોઇ? વાળને સ્ટાઇલિશ લુક આપવા આપણે બધા ખૂબ ઉત્સુક રહેતા જ હશું પરંતુ મનમાં ક્યાંક ડર પણ હશે કે આપણા વાળ વધુ ડેમેજ થઈ જશે તો? આપણી ચિંતા સાચી જ છે, વધુ પડતાં કેમિકલ્સ ટ્રીટમેન્ટ કરવાથી આપણા વાળને નુકસાન પહોંચતુ જ હોય છે. જ્યારે આપણને હેર કલર અથવા હાઇલાઇટ્સ કરાવવા જવાનું થાય ત્યારબાદ વાળની પૂરતી માવજત કરવી ખૂબ જ જરૂરી છે. સાથે જ આપણા વાળમાં કલર યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે વાળને મેન્ટેન કરવા પણ જરૂરી છે.
આપણે આજે એવી ખાસ ટિપ્સ વિશે ચર્ચા કરીશું જે આપણા વાળ સુંદર રાખવા ખૂબ જ ઉપયોગી બનશે. હેર કલર કર્યા બાદ આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે ટિપ્સ જોઈશું.
– જ્યારે તમે વાળને હાઇલાઇટ્સ કરાવવાનું નક્કી કરો તેના એક મહિના પહેલાથી વાળને અઠવાડિયામાં 2 વખત પ્રોપર ઓઈલિંગ અને મસાજ આપવાનું ચાલુ કરી દેવું અને હેર કલર હમેશા સારી ગુણવત્તા ધરાવતો જ પસંદ કરવો. કલર પસંદ કરવામાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે હેર કલર એમોનિયા ફ્રી હોવો જરૂરી છે.
– વાળમાં એકવાર કલર થઈ જાય તે કલર સાફ કર્યા પછી, ત્યારબાદ 2 થી 3 દિવસ સુધી વાળને ધોવા જોઈએ નહીં. જેથી વાળમાં કલર એકદમ સેટ થઈ જશે. જ્યારે આપણા વાળ પર કેમિકલ્સ પ્રોસેસ થાય છે ત્યારે થોડા સમય બાદ વાળ ડેમેજ થવાના જ છે જેમ કે સ્પ્લિટ હેર, ડ્રાય હેર વગેરે રોકવા વાળ નિયમિત કાપવા જરૂરી છે. જેટલા વાળ ડેમેજ હોય તેટલા વાળ કટ કરી લેવા.
– કલર કર્યા પછી વાળ ઠંડા પાણીથી ધોવા વધુ યોગ્ય રહેશે. જેથી વાળ પોતાનું મોઈશ્ચર ગુણવશે નહીં. સાથે જ સારી ગુણવત્તા ધરાવતા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો જરૂરી છે.
– વાળને પ્રોટીન મળી રહે તેવો ખોરાક લેવો અને તેવું શેમ્પૂ વાપરવું ખૂબ જરૂરી છે. નિયમિત ઓઇલ થેરાપી અને હોટ ઓઇલ મસાજ આપતું રહેવું. બને તેટલો હેર ડ્રાયરનો ઉપયોગ ટાળવો, તેના બદલે વાળને કુદરતી રીતે સુકાવવા.
ઉપરોક્ત ટિપ્સ જરૂર અનુસરવી જેથી તમારા વાળની સુંદરતા અને ચમક જળવાઈ રહેશે.