બધાં જ રાજી રાજી થઇ ગયાં …. નાર નવેલી
ઇશા અને સમીર પરસ્પરને ખૂબ જ ચાહતાં હતાં.બંનેની જ્ઞાતિ અલગ હતી એટલે એમના વડીલો લગ્ન માટે સંમતિ આપે તેવી કોઇ શક્યતા ન હતી.પરંતુ અનેક વાર કહેવાયું છે તેમ પ્રેમ કદી ઘર કે જ્ઞાતિ જોઇને થતો નથી, જીવનમાં કોઇક ક્ષણ એવી આવી જાય છે કે વ્યક્તિને એ ક્ષણથી સામેનું પાત્ર ગમવા જ લાગે છે, એ ભૂલવા માગે તો ય ભૂલી શકતો નથી. સમીર અને ઇશા એક જ ગામમાં રહેતાં હતાં.એક જ શાળામાં ભણ્યાં હતાં સાથે રમ્યાં હતાં ને હવે સાથેજ જીવન જીવવાનું નક્કી કરી ચૂક્યાં હતાં…..બંને ને ખબર હતી કે એમનું લગ્ન સહજતાથી કોઇ સ્વીકારશે નહિ તે છતાં બંને એ ભાગી જઇને સિવિલ મેરેજ કરવાને બદલે જો વડીલો તેમની માગણી સ્વીકારે તો ઘીના ઠામમાં ઘી પડ્યુ રહેશે એમ વિચારી તે દિશામાં પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું. પણ તેનું પરિણામ તો ઉલટું આવ્યું.પહેલાં બંને જણ ચોરી છૂપીથી મળી લેતાં હતાં તેમાં કોઇને કંઇ શંકા પડતી નહોતી તેમાં ય હવે ભંગ પડ્યો. બંને નાં મા-બાપ અને કુટુંબીઓ તેમની ગતિ વિધિ પર નજર રાખતાં થઇ ગયાં…..ઇશા પાસેથી તો એનાં મમ્મી-પપ્પાએ મોબાઇલ પણ લઇ લીધો !!!!! સીધા પાટે જઇ રહેલી બંનેના પ્રેમની ગાડી જાણે કે પાટા પરથી ઉથલી પડી ! સમીર માટે ઇશાને મળવાનું તો બાજુમાં રહ્યુ પણ ફોન પર વાત કરવાનું ય બંધ થઇ ગયું !
સમીર બેચૈન બની ગયો, વળી એની બેચૈનીમાં ત્યારે ઔર વધારો થયો જ્યારે ઇશાનાં મા-બાપે ઇશાને તેના મામાના ઘેર મોકલી આપી. મામાનું શહેર ત્યાથી પચાસ કિલોમીટર જેટલું દૂર હતું પણ ઇશાએ ત્યાં જઇને કોઇ પીસીઓ પરથી સમીરના મોબાઇલ પર ફોન કરીને વાત કરી ત્યારે તો સમીર રાજી રાજી થઇ ગયો. ભલે ઇશા અહીંથી દૂર જતી રહી પણ ત્યાથી એ ફોન કરશે એટલે વાત તો થઇ શકશે એવું એક મોટુ આશ્વાસન સમીરને મળ્યું…
ઇશા તેના મોસાળમાં ગઇ તેના બે-ત્રણ દિવસ બાદ શું થયું કે એક રાત્રે ધરતી ધ્રુજી ઉઠી… પ્રમાણમાં ભારે કહી શકાય તેવી ધ્રુજારીથી સૌ ગભરાઇ ગયાં….ભૂકંપના આંચકાથી ઘરોમાં વાસણ તેમ જ અન્ય ચીજ વસ્તુઓ તેની મૂળ જગાએથી નીચે પડવા લાગી, જે જાગતાં હતાં તે દોડીને ઘરની બહાર આવી ગયાં..બધે અકળામણ ને ગભરામણ વધી ગઇ, સમીરના ગામમાં તો ભૂકંપની ખાસ અસર વરતાઇ ન હતી પણ ત્યાંથી પચાસ કિલોમીટર દૂર આવેલા ઇશાના મોસાળમાં ઘણા ઘરો પડી ગયાના સમાચાર મળ્યા હતા..અરે, પણ આ શું થયુ…. ? ઇશાના મામાનું ઘર પણ તૂટી પડ્યું હતું….ઇશા પણ તેમાં દટાઇ ગઇ હતી !!!….પોલિસ અને ફાયર બ્રિગેડના માણસોએ કાટમાળ હટાવી ઘણા બધાંને બચાવી લીધાં. ઇશા એમાં બચી તો ગઇ પણ તેનો જમણો પગ ઢીંચણ નીચેથી ખરાબ રીતે કચડાઇ ગયો હોવાથી તે કાપવો જ પડ્યો….
ભૂકંપની આ દુ:ખદ ઘટનાએ સમીરનાં મા-બાપ માટે જાણે કે રાહતનું કામ કર્યુ હોય એવું તે અનુભવતાં હતાં કેમ કે સમીર આવી એક પગે અપંગ થયેલી છોકરી ને હવે આપનાવશે જ નહિ એવું તેમને સ્વાભાવિક રીતે લાગતું હતું. પાછું સમીર ગામની જ માધ્યમિક શાળામાં શિક્ષકની નોકરીએ પણ લાગી ગયો હતો એટલે સારી છોકરીઓનાં માગાં પણ ચાલુ થઇ ગયાં હતાં….યોગ્ય સમય જોઇ એક દિવસે મમ્મી પપ્પાએ સમીરના લગ્નની વાત છેડી તો સમીરે પોતાના દિલની વાત એ જ દિવસે કરી દીધી.
“ જૂઓ પપ્પા, ભૂકંપને કારણે એના મામાનું ઘર પડી જવાથી ઇશાનો પગ કાપી નાખવો પડ્યો એટલે હું એને છોડી દઇશ એવું તમે વિચારતા જ નહિ ,અમે બંનેએ તો સાચા હ્રદયથી પ્રેમ કર્યો છે અને અમે એક બીજાના થઇને જ રહેવાના છીએ. હું એની સાથે પરણેલો હોત અને તે પછી આવું બનત તો શું હું એને કાઢી મુકત? “
“ અરે બેટા , તું હજી ક્યાં એની સાથે પરણ્યો છે ? ને હવે દેખતી આંખે અપંગ થઇ ગયેલી છોકરી સાથે તો લગ્ન ન જ કરાય !”
મમ્મીએ તેને સમજાવવાની કોશિશ કરી. તેના પપ્પા બોલી ઉઠ્યા,
“ બેટા તું અમારી બે જણની લાગણીનો તો ખ્યાલ કર, તારે હાથે કરીને દુ:ખ વહોરવું છે ? તું અમને બે જણને રાજી રાખવા નથી માગતો ? અપંગ વહુ આવશે તો ઉલટાનું તારી મમ્મીએ એને મદદ કરવી પડશે……. મારી વાત તું માની જા, મા બાપને રાજી રાખવાની છોકરાની ફરજ છે એટલે તું એને ભૂલી જાય એવી મારી ખાસ વિનંતિ છે…..”
“ ના પપ્પા, હું એને ભૂલી જાઉં તો એમાં ઇશ્વર નારાજ થાય , મારે તો ઇશ્વર રાજી થાય તેવું જ કામ કરવું છે.. તમે મને માફ કરશો……”
ઇશ્વરને રાજી રાખવાની દીકરાની ભાવના સાથે મમ્મી પપ્પા પણ મને કમને અંતે સંમત થયાં , અને સમીર એના ખુશીના સમાચાર ઇશાને પહોંચાડે તે પહેલાં તો ઇશાએ સમાચાર કહેવડાવ્યા કે તેણી પોતે હવે આજીવન લગ્ન જ કરવા માગતી નથી …… કેમ કે હવે અપંગતાને કારણે એ કોઇના પર બોજ બનવા માગતી નથી.. ઇશાની આવી ઇચ્છા અને લાગણી જાણી સમીરનાં મમ્મી પપ્પાને પણ તેના પ્રત્યે ખૂબ માન ઉપજ્યું. તે સામે ચાલીને સમીરને લઇને તેને અને તેનાં મમ્મી પપ્પાને મળ્યાં . તેમણે ઇશાને સાચા હ્રદયથી પોતાની પુત્રવધૂ બનાવવાની માગણી મૂકી તો તે ઇશાએ સમજાવટને અંતે હર્ષભેર સ્વીકારી લીધી… ખરેખર આમ થવાથી ભગવાન તો રાજી થયા જ હશે પણ અહીંનાં તો બધાં જ રાજી રાજી થઇ ગયાં હતાં !!!!
00000
– અનંત પટેલ