આંખ ઉઘડી ગઇ-નાર નવેલી

આંખ ઉઘડી ગઇ-નાર નવેલી

દીપકને માધવીનું આજનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગ્યુ. જો હું એને ના ગમતો હોઉં તો આટલા દિવસથી ક્યા કારણે એ મારી પાછળ પાછળ આવતી હતી ? હું એનો ફોન ન ઉપાડું તો શું કામ ગુસ્સે થઈ જતી હતી ? હું તો એને ખરા દિલથી ચાહવા લાગ્યો હતો તેની સાથે જીંદગી જીવવાનાં સપનાં જોવા લાગ્યો હતો…અરે..રે ..માધવી તને આ શું સૂઝ્યુ? શું કામ મને આટલું બધુ તું બોલી ગઈ ? દીપકને માધવીના શબ્દો રહી રહીને યાદ આવવા લાગ્યા…..
” મિસ્ટર દીપક, લગ્નની બહુ ઉતાવળ છે તમારે ? પણ પહેલાં બે પૈસા કમાતાં તો શીખો… અત્યારે તો બાપના પૈસે એશ કરો છો ને મને ય એશ કરાવો છો પણ મેરેજ પછી શું કરશો ? શું પપ્પા પાસે વાઈફને ફરવા લઈ જવા પૈસા માગતાં તમને શરમ નહિ આવે ?….
માધવી આગળ દીપકે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકતાં તે ગુસ્સે ભરાઈ ગઈ હતી અને આવું બધુ કેટલું ય તેને સંભાળાવી ને જતી રહી હતી. દીપકને ભારે નિરાશા થઈ હતી .પોતાના ઘરની સ્થિતિ એ બરાબર જાણતો હતો. એનાં મમ્મી પપ્પાનું એ એક માત્ર સંતાન હતો. પપ્પાસાધન સંપન્ન હતા એટલે હાલને હાલ દીપક કદાચ ન કમાય તો પણ ચાલે તેમ હતું.વળી ભવિષ્યમાં તે પપ્પાના બિઝનેસમાં સાથ આપી શકે તેમ હતો તેથી તેણે કમાવાની દિશામાં કંઈ વિચાર્યુ જ ન હતું. ખેર,જે થયું તે થયું…હવે તો માધવીને ભૂલવી જ પડશે, એ વિચારે તે ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો…
એક સાંજે મમ્મીએ તેને ગુમસુમ રહેવાનું કારણ પૂછ્યુ, પહેલાં તો દીપકે કશું કહેવાની ના જ પાડી પણ મમ્મીએ પોતાના સમ દીધા તો દીપકે બધી વાત મુક્ત મને કરી દીધી,અને સાથે સાથે એમ પણ સ્પષ્ટ કરી દીધુ કે હવે ના છૂટકે માધવીને ભૂલી જવાની પણ તે તૈયારી કરી રહ્યો છે.. માધવીને ભૂલી જવાની કલ્પના માત્ર તેના હ્રદયને કોરી ખાય છે આવું તે મમ્મી આગળ બોલ્યો ,ત્યાં તો બાજુના ખંડમાંથી માધવી હસતાં હસતાં પ્રગટ થઈ..
” મમ્મી,જૂઓ મેં તમને ના નહોતી પાડી ? તો ય તમે શિખાવાડેલુ બધું જ હું એમને બોલી ગઇ … જૂઓ આપણે એમને કેટલા બધા દુ:ખી કરી મૂક્યા? ”
માધવીના આવા શબ્દો સાંભળી દીપકને ખબર પડી ગઈ કે આ તો મ્મમ્મીએ તેને પાઠ ભણાવવા માધવીના મોંઢે આવું બોલાવડાવ્યુ છે…. દીપકે થોડીવાર મમ્મી સામે તો થોડી વાર માધવી સામે જોયા જ કર્યુ, પછી એ બોલ્યો ,
” વાહ મમ્મી તું ને માધવી બે ય કમાલ છો હોં .. હું પપ્પાના બિઝનેસમાં જોડાવાને બદલે એશ આરામથી ફર્યા કરતો હતો એટલે તમે આ આઈડીયા કર્યો લાગે છે પણ સાચું કહું તો આજે તો મારી આંખો જ ઉઘડી ગઈ છે.. થેંકયુ. મમ્મી ને થેક યુ માધવી…”
માધવી અને તેનાં થનાર સાસુના આનંદનો પાર ન રહ્યો..
– અનંત પટેલ

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )