તમે ક્યાં સુધી શક કરશો ? – નાર નવેલી

તમે ક્યાં સુધી શક કરશો ? – નાર નવેલી

અમારે પુષ્પાકાકી એટલે ભગવાનનું માણસ. આપણે ત્યાં ” ભગવાનનું માણસ” એવો શબ્દ પ્રયોગ કોઇને માટે થાય ત્યારે સાંભળનારા સમજી જતા હોય છે કે જે ભાઇ કે બહેનની વાત થાય છે તે એકદમ ભોળા સ્વભાવના છે. એ વ્યક્તિ અમના રોજીંદા જીવનમાં ય ખૂબ જ શાંતિથી કશા પણ રઘવા વિનાનું જીવન જ જીવતા હોય છે. પુષ્પાકાકી પણ આવું જ વ્યક્તિત્વ ધરાવતાં હતાં.એમના પતિ કંઇક અંશે રંગીલા સ્વભાવના મને લાગેલા પણ એમના માટે મેં હજી સુધી તો કંઇ આડી તેડી વાત સાંભળેલી નહિ . રમણકાકા, એમના પતિ હજુ ગયા મહિને જ એમની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. નોકરી દરમિયાન સરકારી કામે ઘણા દિવસ એ ઘરથી બહાર જતા…એમના નિવૃત્ત થયા પછી એમને ઘેર જ પડ્યા પાથર્યા રહેવાનું થતું. બપોરે એ સૂતા હોય ત્યારે એમના મોબાઇલની રીંગ વાગે ને પુષ્પાકાકી જો ફોન લેવા જાય તો રમણકાકા એમને રોકતા…ને પછી પોતે જ જેનો કોઇનો ફોન હોય તેની સાથે વાત કરી લેતા. આમ થવાથી શરુઆતમાં તો કાકીને ખાસ કંઇ વાંધો ન આવતો પરંતુ દરરોજ આવી રીતે ફોન આવે જ જતા ને ઘણી વાર તો રમણકાકા એ ફોન લઇને વાત કરવા માટે બહાર ચાલ્યા જતા. અત્યારે ફોન એક એવી બાબત છે કે જો તમને ફોન આવે અને જો તમે અન્ય કોઇની હાજરીમાં વાત કરવાને બદલે થોડા છેટા જઇને વાત કરો અથવા તો “હું પછી વાત કરીશ ” એમ કહીને ફોન કાપી દો તો જે હાજર હોય એમના મનમાં એવો પ્રશ્ન થવાનો જ કેમ આમણે આપણી હાજરીમાં વાત ન કરી ? કોણ હશે ? એવી તે કેવી ખાનગી વાત હશે ?
અહીં પુષ્પાકાકીને પણ રમણકાકાની ફોન પર તેમનાથી દૂર જઇને વાત કરવાની પધ્ધતિ ન ગમી છતાં પતિ સાથેની લાંબી અને સુખરૂપ જીવન યાત્રાએ તેમને કશી શંકા કરવાનું તો ન જ સૂઝાડ્યુ…
આમ છતાં એમના ભજન મંડળની એમની સખિઓ કહેવાય તેવી કેટલીક બહેનોને રમણકાકા ની વર્તણૂક વિશે આવા ઉદગારો કરતી સાંભળી ત્યારે એ કંઇક વિચારમાં તો પડી જ ગયાં, —” કાકા તો જ્યારે સામા મળે છે ત્યારે એમનો ફોન તો ચાલુ જ હોય છે…” — ” અરે અમે તો એમને ઘણી વખત તમારી ગાડીમાં કોક બેનને બેસાડીને જતા જોયા છે હોં..”
— ” અલિ બુન આદમીનું તો કાંય કેવાય નહિ હોં, બહુ ભરોસો ય ના કરવો….”
આવું બધુ પતિ વિશે સાંભળ્યા પછી સ્વાભાવિક છે કે કોઇપણ સ્ત્રી પતિ માટે થોડી ઘણી તો સજાગ થઇ જ જાય…..જો કે મોટા ભાગની સ્ત્રીઓ પતિ વિશે કશું ક અજુગતું સાંભળે ત્યારે મનોમન ગભરાઇ જતી હોય છે,
— શું આ વાત સાચી હશે ?
— શું એમને મારા સિવાય અન્ય કોઇ સ્ત્રી સાથે ખરો ખોટો કશો સંબંધ તો નહિ હોય ?
— એમણે મારાથી કશું છૂપાવ્યું તો નહિ હોય ?
આ બધા પ્રશ્નો એમને વિહવળ કરી મૂકે તે પહેલાં તેમના મનમાં એક મોટો પ્રશ્ન પ્રગટ્યો, ” જો એમને કોઇ આડી લાઇન હોત તો આજ એ ચાલીસ વરસથી નોકરી કરતા હતા, ને ઓફિસના કામે બહાર પણ જતા હતા ત્યારે ક્યાં તમે કે તમારી બહેનપણિઓ તેમનું ધ્યાન રાખતી હતી ? એમને જે કરવું હોય તે કરતાં એમને કોણ રોકનારું હતું ???? ” બસ, આ એક માત્ર પ્રશ્નએ પુષ્પાકાકીને એકદમ હળવાં ફૂલ બનાવી દીધાં… ને ત્યાર પછી માનશો ? ધીમે ધીમે રમણકાકાને આવતા ફોન પણ એની મેળે બંધ જ થઇ ગયા…જો કદાચ એ વખતે કાકી એ ઉતાવળ કરીને કાકા સાથે વાદ વિવાદ કર્યો હોત તો ? નકામા પ્રશ્નો ઉભા થયા હોત અને તેમના પ્રસન્ન દાંપત્યમાં તકલીફ ઉભી થઇ હોત … લાંબી નોકરી બાદ ઉચ્ચ હોદ્દા ઉપરથી નિવૃત્ત થનાર અધિકારી પર ઘણા લોકોના ફોન આવે એમાં ખોટું શું છે ? અમુક સમયે ઓફિસને લગતી વાતો બીજાનાં સાંભળતાં ફોન પર ન કરવી એ શું યોગ્ય નથી ? પતિ અને પત્નીના સંબંધો પરસ્પરના વિશ્વાસ પર જ ટકી રહેતા હોય છે…. સમજ્યા વિના કોઇના પર શક કરવાનો કોઇ જ અર્થ નથી..
– અનંત પટેલ

00000

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )