અજબ ગજબની ટેવો
” લ્યો કરો વાત…”
આપણું રોજ બરોજનું જીવન એવું છે કે જો બરાબર અવલોકન કરીએ તો વાત વાતમાં આપણને ગમ્મત મળી શકે છે.
૧. તમે સવારે નવાં કપડાં પહેરીને ક્યાંક બહાર જવા નીકળો છો તો એકાદ પડોશી તમને આ રીતે નીકળતા જઇને વિચારમાં પડી જવાના, એ વિચારશે, ” આજે બની ઠનીને કઇ બાજુ જતા હશે ?? ” ગમે તેમ કરીને એ કદાચ તમારી પાછળ આવીને પૂછે ય ખરા, “અરે ચંદુભાઇ, બહાર જતા લાગો છો નહિ ? ”
૨. કેટલાક પડોશીઓને જો એવી ખબર પડે કે તમે શાક માર્કેટમાં ગયા છો કે જવાના છો તો એ તમારી પાસે બીજુ કોઇ શાક નહિ પણ છેવટે બે અઢી કિલો બટાકા તો ઉંચકાવી મંગાવે જ …
૩. તમે બસ સ્ટેશન બાજુ આંટો મારવા જવાના છો એની એમને ખબર પડે તો એ તમને છેવટે શામળાજી કે ડાકોર જવા સવારે ડાયરેક્ટ બસ કેટલા વાગે છે એ જાણવાનું તો કહેશે જ..
૪. કોઇના બેસણામાં જઇને તમે પાછા આવો ત્યારે ય એ પાછા ગંભીર થઇને મરનાર તમારે શું થતા હતા ? જુવાન હતા ? ઉંમરલાયક હતા ?? કેમ કરતાં ગુજરી ગયા ? આવી તેવી એમને બિલકુલ કામની ન હોય એવી ય માહિતિ તમને પૂછે જ……
૫. તમને મંદિરમાં ઘણા દિવસે મળનારા મિત્ર પાછા એવું પૂછે, ” શું યાર હમણાંના કેમ દેખાતા નથી ?? કાંઇ બહુ વ્યસ્ત થઇ ગયા છો કે શું ??
૬. એટલે અહીં કહેવાનો મતલબ એવો છે કે લોકોને પોતાની હોંશિયારી દેખાડવાની, પોતે બહુ અનુભવી છે, એમના જેટલી ખબર બીજા કોઇને હોય જ નહિ એવું બીજાઓને બતાવ્યા કરવાની ખૂબ જ ખરાબ કહી શકાય એવી ટેવ હોય છે.
૭. તમને ટિફિન લઇને જતા જૂએ તો તમારા પડોશી તરત જ પૂછશે શું કોઇ માંદુ સાજુ છે કે ? કોઇને દવા ખાને દાખલ કર્યું છે કે શું ?
. આમાં જે અનુભવ કે અવલોકનો વર્ણવ્યાં છે એ ભાઇઓ અને બહેનો બંનેને સરખી રીતે જ લાગું પડે છે એ નોંધવું.
– અનંત પટેલ